સુવિચાર -7

યોગની સાત ભૂમિકાઓ (યોગ વાસિષ્ઠ)

પહેલાં શાસ્રો અને સત્પુરુષોના સમાગમથી (શ્રવણથી) બુદ્ધિને વધારવી-
એ યોગીના યોગ ની "પહેલી-ભૂમિકા" છે.વિચાર (મનન) એવા નામની "બીજી-ભૂમિકા" છે.
અસંગ-ભાવના (નિદિધ્યાસન) નામની "ત્રીજી-ભૂમિકા" છે.
વિલાપીની (વાસના-નાશ) એવા નામથી ઓળખાતી "ચોથી-ભૂમિકા" છે,
(કે જેમાં તત્વનો સાક્ષાત્કાર થવાથી વાસનાઓનો મૂળથી નાશ થઇ જાય છે)

"પાંચમી-ભૂમિકા" સમાધિનો પરિપાક થઇ જવાને લીધે અનુભવાતા ઉત્તમ આનંદ વડે શુદ્ધ "ચૈતન્યમય" છે,
કે જેની અંદર નિંદ્રા શેષ રહી ગયાથી અર્ધા ઊંઘતા અને અર્ધા જાગતા પુરુષની પેઠે જીવનમુક્ત રહે છે.
"છઠ્ઠી ભૂમિકા" પોતાની મેળે જ સતત એકધારી રહેનારી "અનુભવ-વાળી-બ્રહ્માકાર-વૃત્તિ-રૂપ" છે.
જેમાં આનંદના જ એક ગાઢ આકાર-વાળી યોગીના ચિત્તની સ્થિતિ,"સુષુપ્તિ અવસ્થા-વાળા" જેવી થઇ જાય છે,
અને તે જ પરમ શાંત અવસ્થા "તુર્ય-પદ" કહેવાય છે,કે જે કેવળ મોક્ષ-રૂપ જ છે.

સમાનતા અને સ્વચ્છતા વડે,એકદમ શાંત એવી "સાતમી-ભૂમિકા" એ "તુર્યાતીત" કહેવાય છે,
કે જે પરમ "નિર્વાણ-રૂપ" છે.અને આ ભૂમિકા જયારે પાકટ દશામાં આવે છે,ત્યારે "વિદેહ-મુક્તિ" કહેવાય છે.
કે જે વિદેહ-મુક્તિ એ "જીવતા" યોગી-પુરુષનો વિષય નથી.

Anil Pravinbhai Shukla (www.sivohm.com)