Bhagvat Vyas vichar -page-15

શ્રીમદ ભાગવત માં કલિયુગ નું વર્ણન
સ્કંધ-૧૨-અધ્યાય – 2

શુકદેવજી કહે છે કે-હે,પરીક્ષિત,બળવાન કાળ (સમય) ને લીધે-હંમેશ  ધર્મ, સત્ય, પવિત્રતા, ક્ષમા,
દયા, આયુષ્ય, બળ અને સ્મરણશક્તિ-એ સર્વે નજીક માં આવતા કાળ (કળિયુગ) માં નાશ પામશે.(1)

કળિયુગમાં "ધન" (પૈસા)  થી જ મનુષ્ય- સારા કુળવાળો , સદાચારી અને સદગુણી મનાશે.
"ધર્મ અને ન્યાય"ની વ્યવસ્થામાં જેના હાથમાં બળ (શક્તિ) જ કારણ-રૂપ મનાશે.(2)
(જેના હાથમાં લાકડી (શક્તિ) હશે-તે ભેંસ લઇ જશે !!)

લગ્ન કરવામાં સ્ત્રી-પુરુષો પોતપોતાની રુચિ થી જ લગ્ન (પ્રેમ-લગ્ન) કરી લેશે.
(કુળ-ગોત્ર-વગેરે જોવાનું -એ લગ્ન માં કારણભૂત નહિ મનાય.)
વ્યવહારમાં છળ-કપટ મુખ્ય થશે-
(એટલે કે-જે મનુષ્ય ને ને વધુ છળ-કપટ કરતાં આવડશે,એટલો તે વધારે હોંશિયાર ગણાશે)
સ્ત્રી અને પુરુષોની શ્રેષ્ઠ-પણા માં કેવળ રતિની કુશળતા (કામક્રીડા) જ કારણ  મનાશે.(શીલ-સંયમ નહિ)
(એટલે કે-જે સ્ત્રી-પુરુષ વધુ કામી કે કામ-કુશળ -તે શ્રેષ્ઠ -એવું મનાશે)

બ્રાહ્મણની ઓળખ તેના ગુણ-સ્વભાવ થી નહિ પણ, કેવળ જનોઈ થી જ બની રહેશે  (3)
(કર્મકાંડ-વેદ નું જ્ઞાન -સંધ્યા-પૂજા-ગાયત્રી-વગેરે-બ્રાહ્મણ ના આચાર-તેની પાસે રહેશે નહિ)

સાધુ-સન્યાસીઓ ના આશ્રમો ને જાણવામાં (અને કયા આશ્રમ નો છે -તે જણાવવામાં)
વસ્ત્ર, લાકડી, કમંડળ – જેવા બાહ્ય દેખાવ જ સાધુ- અને સંન્યાસીઓની ઓળખ બની રહેશે.
એક આશ્રમમાંથી બીજા આશ્રમમાં જવામાં -આ બાહ્ય કારણો જ મુખ્ય બની રહેશે.
(એટલે કે-સન્યાસી (જોગી) એ ત્યાગ નો -મુખ્ય-આચાર નહિ રાખતાં- દંભી,લોભી અને ભોગી બનશે)

જો કોઈ મનુષ્ય- (ન્યાયાધીશને) ધનની લાંચ આપવામાં અસમર્થ હશે,તો ન્યાયમાં તેની હાર થશે.
અને (ભલે પાસે જ્ઞાન ના હોય પણ) જે બોલવામાં વધુ પાવરધો હશે-એને લોકો મોટો પંડિત માનશે.(4)
(કર્કશ-વધુ બોલતો- કુરૂપ કાળો કાગડો મોતી ખાશે ને હંસ દાણા ખાશે !!!)

કળિયુગમાં ગરીબ હોવું એ જ મોટો દોષ  (અ સાધુતા કે ખરાબ હોવું કે ગુનેગાર હોવું) ગણાશે.
જે જેટલો દંભ-દેખાડો અને પાખંડ કરી શકશે એને લોકો એટલો વિદ્વાન (સાધુ) સમજશે.
લગ્ન માટે એકબીજાની સંમતિ પર્યાપ્ત રહેશે.
શાસ્ત્રવિધિ–વિધાન, સંસ્કાર આદિની લોકોને કોઈ જરૂર નહિ લાગે. લોકો સ્નાન કરશે નહિ,પણ,
વાળ ઓળી લેવા અને સારાં કપડાં પહેરીને તૈયાર થઈ જવું એને જ લોકો સ્નાન થઈ ગયું સમજશે.(5)

લોકો દૂરના તળાવને પણ તીર્થ માનશે
પરંતુ નજીકના તીર્થ જે ગંગા-ગોમતી અને માતા-પિતા (કે જે તીર્થ સમાન છે.) એની લોકો ઉપેક્ષા કરશે.
લાંબા વાળ રાખવા (પુરુષોએ) એને લોકો શારીરિક સૌંદર્યની નિશાની સમજશે !
અને લોકો જીવનનું સૌથી મોટું કામ (પુરુષાર્થ) એક જ ગણશે-એ છે પોતાનું પેટ ભરવાનું.
જે મનુષ્ય ભલે ઉદ્ધતાઈથી (મોઢું ઠાવકું રાખીને) વાત કરી શકશે એટલો લોકો એને સાચો સમજશે. (6)

યોગ્યતા અને ચતુરાઈનું સૌથી મોટું લક્ષણ કુટુંબનું ભરણ-પોષણ કરવું એ બની રહેશે.
ધર્મનું સેવન લોકો પોતાનો યશ વધારવા કરશે.
આ પ્રકારે જ્યારે આખી પૃથ્વી પર દુષ્ટો લોકોની વાહવાહ થઈ જશે,
ત્યારે રાજા (નેતા) બનવાનો કોઈ નિયમ નહિ રહે.
બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, ક્ષુદ્ર જેની પાસે તાકાત (બળવાન ) વધારે હશે એ રાજા બની બેસશે.

એ સમયે નીચ રાજાઓ અત્યંત ક્રુર અને નિર્દય હશે.
લોભી તો એટલા હશે કે એમના (રાજાઓમાં) અને લુટારુઓમાં કોઈ ફર્ક જ નહીં રહે ,
એ પ્રજાનું ધન અને સ્ત્રીઓને છીનવી લેશે.
લોકો એવા રાજાઓથી ગભરાઈને દૂર દૂર પહાડો અને જંગલોમાં ભાગી જશે.
એ સમયે પ્રજા જુદા-જુદા પ્રકારના શાક, કંદ-મૂળ, માંસ, દારૂ, ફળ-ફુલ અને ગોટલી (કેરી આદિની ગોટલી)
વગેરે ખાઈને પોતાનું પેટ ભરશે.(9)

ક્યારેક તો વરસાદ જ નહિ પડે – દુકાળ પડશે;
તેવે સમયે રાહત ને બદલે રાજાઓ ઉપરાઉપરી કર (ટૅક્સ) નાખશે.
ક્યારેક ભયંકર ઠંડી પડશે, ક્યારેક આંધી આવશે, ક્યારેક અતિશય ગરમી પડશે તો ક્યારેક પ્રચંડ પૂર આવશે.
આ ઉત્પાતો અને જીવન ના સંધર્ષોથી પ્રજા અત્યંત પીડિત બનશે અને નષ્ટ થઈ જશે. (10)

લોકો ભુખ-તરસ  અને નાની-મોટી અનેક ચિંતાઓથી દુ:ખી રહેશે. રોગોથી તો એમને ક્યારેય છૂટકારો નહિ મળે.
ઘોર કળિયુગ માં  ત્યારે મનુષ્યનું આયુષ્ય માત્ર વીસ થી ત્રીસ વર્ષનું  જ હશે (11)

હે પરીક્ષિત ! કળિયુગના દોષોથી લોકોનું શરીર ક્ષીણ (નાનું) અને રોગગ્રસ્ત થઈ જશે.
વર્ણ અને આશ્રમોનો ભેદ જણાવનાર અને "ધર્મ" બતાવવા વાળો વેદમાર્ગ નષ્ટ થઈ જશે. (12)

ધર્મમાં પાખંડતા વ્યાપી જશે. રાજાઓ ડાકુ અને લુટારૂઓ જેવા થઈ જશે. મનુષ્ય ચોરી, જુઠ અને કારણ વગર
હિંસા વગેરે જેવા અનેક કુકર્મો કરીને પોતાનું જીવન ચલાવશે. (13)

ચારેય વર્ણૉના લોકો શુદ્ર સમાન બની જશે. ગાયો -એ બકરીઓ જેવડી  નાની અને
ઓછું દૂધ આપવાવાળી થઈ જશે.
વનમાં રહેનારા અને સંસારનો ત્યાગ કરી ચૂકેલા સંન્યાસીઓ પણ
સંસારી લોકોની જેમ ધર (વૈભવી આશ્રમો-ને મંદિરો) આદિ બનાવીને રહેશે
અને તેમની જેમ વેપાર પણ કરશે. (ધર્મ -મંદિર એ એક પૈસા કમાવાનો ધંધો બની જશે)
જેની સાથે લગ્નજીવનનો (બહુ નજીકના હોય એ જ )સંબંધ છે એને જ માત્ર લોકો સંબંધી ગણશે. (14)

ધાન્યો જેવાકે જવ, ઘઉં આદિ અનાજના છોડ નાનાં-નાનાં થઈ જશે.
વૃક્ષોમાં પણ લગભગ બધે શમી (બાવળિયા જેવા) આદિ જેવા કાંટાવાળા વૃક્ષો જ રહી જશે. (ફળ વાળા નહિ)
વાદળોમા વીજળીઓ તો બહુ થશે પરંતુ વરસાદ ઓછો થશે.
લોકોના ઘરો અતિથિઓના સત્કાર અને વેદધ્વનિ વગરના હોવાને કારણે અથવા
તો ઘરમાં લોકોની સંખ્યા ઘટવાને કારણે સૂના-સૂના અને ભેંકાર થઈ જશે. (15)

હે પરિક્ષિત ! વધારે શું કહું? – કળિયુગનો અંત થતા-થતા મનુષ્યોનો સ્વભાવ
ગધેડાઓ જેવો દુ:સહ્ય બની જશે, લોકો માંડ-માંડ સંસારનો બોજ વેઠતા હોય એમ જીવશે
અને વિષયી (ભોગી) બની જશે.
એવા સમયે સત્વગુણને ધારણ કરીને ભગવાન સ્વયં (કલ્કિ) અવતાર લેશે. (16)

અધ્યાય – 3 (સ્કંધ-12)

કળિયુગમાં લોકોની દ્રષ્ટિ ક્ષુદ્ર (તુચ્છ-કે ખરાબ) બની જશે.
મોટાભાગના લોકો એવા હશે -કે જે હશે તો નિર્ધન પણ ખાતા બહુ હશે.
એમનું ભાગ્ય હશે બહુ મંદ પણ ચિત્તમાં કામનાઓ બહુ મોટી મોટી હશે.
સ્ત્રીઓમાં દુષ્ટતા અને કુલટાપણું  વધી  જશે.(31)

કળિયુગ હશે- ત્યારે આખા દેશમાં, ગામે ગામમાં લુંટેરાઓ (આતંકવાદ)  વધી જશે.
પાખંડીલોકો પોત-પોતાના નવા સિધ્ધાંતો બનાવીને મનફાવે એવો -સ્વાર્થ માટે વેદોનો અર્થ કરશે
અને એ પ્રકારે એ પાખંડી  લોકો વેદો ને  કલંકિત કરશે,
પોતાને રાજા કહેવડાવનારા પ્રજાની કમાઈ હડપીને એને ચૂસી લેશે  
"બ્રાહ્મણ"ના નામે ઓળખાતા -એ જીવો- પેટ ભરવામાં અને (તેમના જીવનમાં કોઈ સંયમ ના હોતાં)
જનેન્દ્રીયોના ભોગોને તૃપ્ત કરવામાં લાગેલા રહેશે . (32)

બ્રહ્મચારી લોકો બ્રહ્મચારીવ્રતથી રહિત અને અ -પવિત્ર રહેવા લાગશે (બ્રહ્મચર્યાશ્રમ)
ગૃહસ્થ બીજાને ભિક્ષા આપવાને બદલે સ્વયં માંગતો ફરશે (ગૃહસ્થાશ્રમ)
વાનપ્રસ્થી વનમાં રહેવાને બદલે ગામ (કે શહેરો)માં વસશે (વાનપ્રસ્થાશ્રમ)
અને સંન્યાસી ધનના અત્યંત લોભને લીધે પિશાચ જેવો બની જશે   (સન્યાસાશ્રમ )(33)

સ્ત્રીઓનું કદ (આકાર) નાનો થઈ જશે , પરંતુ તેમની (તન ની) ભુખ વધી જશે
એમને સંતાનો બહુ થશે અને સ્ત્રીઓ પોતાના કુળની મર્યાદાઓનું ઉલ્લંધન કરીને
લાજ વગેરેને છોડી દેશે,એ સદા સર્વદા કડવી વાણી બોલશે,અને
ચોરી અને કપટ કરવામાં પ્રવીણ હશે,. સ્ત્રીઓમાં સાહસ પણ ખૂબ વધી જશે .(34)

પ્રિય પરિક્ષિત, કળિયુગમાં મનુષ્યો બહુ જ લંપટ બની જાય છે.
એ પોતાની કામવાસનાઓ તૃપ્ત કરવા માટે જ કોઈક ને પ્રેમ કરે છે.
એ વિષયવસાનાઓથી એટલા બધા ધેરાઈ જઈ ને દીન બની જાય છે કે
પોતાના માતા-પિતા, ભાઈ-બહેન અને મિત્રોને પણ છોડીને
કેવળ પોતાના સાળા અને સાળીઓની સલાહ લે છે. (37)

કળિયુગ માં-ક્ષુદ્ર લોકો તપસ્વીઓ જેવો વેશ બનાવીને પોતાનું પેટ ભરે છે અને દાન સ્વીકારે છે.
જેમને ધર્મનું જરા જેટલુંય જ્ઞાન નથી એ લોકો ઊંચા સિંહાસનો પર બેસીને ધર્મનો ઉપદેશ કરે છે. (38)

કળિયુગમાં લોકો ધન તો શું, નાની-નાની વાતો માં પણ લોકો સાથે વેર વિરોધ કરવા લાગશે
અને બહુ દિવસની મિત્રતા અને સદભાવને તિલાંજલી આપી દેશે.
એટલું જ નહિં, તે પૈસા માટે પોતાના સગા-સંબંધીઓની હત્યા સુધ્ધાં કરી નાખશે અને
પોતાના પ્રાણો થી (નજીક ના કુટુંબીઓ થી) પણ હાથ ધોઈ નાખશે (કોઈ પ્રેમ -સંબંધ નહિ રાખે) (41)

પરીક્ષિત ! કળિયુગના- ક્ષુદ્ર લોકો કેવળ પોતાની કામવાસના પૂરી કરવા અને
પોતાનું પેટ ભરવાની ધૂનમાં જ લાગેલા રહેશે.
પુત્ર પોતાના ધરડાં મા-બાપની રક્ષા-પાલન-પોષણ નહીં કરે, એની ઉપેક્ષા કરશે.
પિતા પણ એના કુશળ અને બધા કામમાં યોગ્ય એવા પુત્રોની પરવા ન કરતાં એમને અલગ કરી દેશે.(42)

હે પરિક્ષિત, કળિયુગમાં આમ તો હજારો દુર્ગુણ છે પરંતુ તેમાં એક ગુણ બહુ જ સુંદર છે.
એ ગુણ એ છે કે કળિયુગમાં કેવળ ભગવાનના નામનું સંકિર્તન કરવા માત્રથી
બધી જ આસક્તિઓ છૂટી જાય છે અને પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય છે.
જે ફળ સત્યયુગમાં ભગવાન ના ધ્યાન કરવાથી, ત્રેતામાં મોટા-મોટા યજ્ઞો કરી એમની આરાધના કરવાથી,
દ્વાપરયુગમાં વિધિપૂર્વક એમની સેવા કરવાથી મળે છે,
એ કળિયુગમાં કેવળ ભગવાનના નામનું કિર્તન કરવા માત્રથી પ્રાપ્ત થઈ જાય છે. (51-52)
Anil Shukla (www.sivohm.com)