saint-charitra-1

બુદ્ધ ધર્મ વિષે-ની સરળ સમજ

હીનયાન, મહાયાન અને વજ્રયાન આ બૌધ્ધ ધર્મના ત્રણ પ્રકારો નથી,
પરંતુ ત્રણ સોપાન છે.

વજ્ર એટલે ન ભેદી શકાય તેવું કે ન બદલી શકાય તેવું યાન એટલે કે વહાણ કે વાહન.
વજ્રયાન સમર્થ છે, ન ભેદી શકાય તેવો પ્રચંડ સામર્થ્યવાન છે, તેથી તેને વજ્ર કહે છે
અને તે અવિદ્યાના સાગરને તરી જવા માટેનું વહાણ કે વાહન છે, તેથી તેને યાન કહેલ છે.
આમ વજ્ર અને યાન બંને શબ્દ મળીને વજ્રયાન શબ્દ બને છે.
સંયુક્ત અર્થ થશે વજ્રયાન એટલે અવિદ્યાના સાગરને તરવા માટેનું સામર્થ્યવાન વહાણ.

ભગવાન બુધ્ધ પ્રણીત બૌધ્ધ ધર્મના પ્રત્યેક યાનમાં આટલું તો સર્વ સામાન્ય છે,
જેને આપણે બૌધ્ધ ધર્મના પાયાના સિધ્ધાંતો કહી શકીએ.

ત્રિરત્ન

(૧) બુધ્ધં શરણં ગચ્છામી (૨) ધર્મં શરણં ગચ્છામી (૩) સંઘં શરણં ગચ્છામી

ચાર આર્ય સત્ય

(૧) દુઃખ છે. (૨) દુઃખનું કારણ તૃષ્ણા છે. (૩) દુઃખનું નિવારણ શક્ય છે.
(૪) દુઃખના નિવારણનો ઉપાય છે- આર્ય અષ્ટાંગપથ

આર્ય અષ્ટાંગપથ

(૧) સમ્યક્‌ દ્દષ્ટિ (૨) સમ્યક્‌ સંકલ્પ (૩) સમ્યક્‌ વાચા (૪) સમ્યક્‌ કર્મ
(૫) સમ્યક્‌ આજીવિકા (૬) સમ્યક્‌ વ્યાયામ (૭) સમ્યક્‌ સ્મૃતિ (૮) સમ્ય‌ક્‌ સમાધિ.

આર્ય અષ્ટાંગ માર્ગના ત્રણ ચરણ

સમ્યક્‌ વાણી, સમ્યક્‌ કર્મ અને સમ્યક્‌ આજીવિકા-આ ‘શિલ સ્કંધ’ છે.
સમ્યક્‌ વ્યાયામ, સમ્યક્‌ સ્મૃતિ અને સમ્યક્‌ સમાધિ-આ ‘સમાધિ સ્કંધ’ છે.
સમ્યક્‌ દ્દષ્ટિ અને સમ્યક્‌ સંકલ્પ-આ ‘પ્રજ્ઞા સ્કંધ’ છે.

બ્રહ્મ વિહાર

(૧) મૈત્રી (૨) કરૂણા (૩) મુદિતા (૪) ઉપેક્ષા

બુધ્ધનો આ ઉપદેશ તો બૌધ્ધ ધર્મના સર્વયાનમાં સર્વમાન્ય છે, બૌધ્ધ ધર્મનો પાયો છે.
 ------------------------------------------------------------------------------------------------------------------------- 
(૧) હીનયાન
હીનયાનમાં અહીં હીન શબ્દનો હલકું ઉતરતું, એવો નથી. અહીં હીનનો અર્થ છે નાનું
મહાયાનની તુલનાએ આ સમુદાય નાનો હતો, તેથી તેને મહાયાનીઓએ હીનયાન અર્થાત નાનો યાન કહેલ છે.
હીનયાનનું ખરું નામ "થેરાવાદ" છે.
હીનયાનઓનો એવો દાવો છે કે ભગવાન બુધ્ધના યથાર્થ ઉપદેશને તેઓ જ વળગી રહ્યા છે.

હીનયાનની આધ્યાત્મિક સાધના એ છે "સમથ અને વિપશ્યના"
"સમથ" તો પ્રારંભિક ધ્યાન પધ્ધતિ છે. પરંતુ "વિપશ્યના" ખૂબ ઉચ્ચ કોટિની અને મૂલ્યવાન સાધના પધ્ધતિ છે.

ભગવાન બુધ્ધનું પૃથ્વીને સર્વશ્રેષ્ઠ પ્રદાન શું ? "વિપશ્યના"

(૨) મહાયાન
મહાયાન એટલે મોટું યાન. મહાયાનમાં મોટો સમૂદાય હતો તેથી તેને મહાયાન કહેવામાં આવે છે.
મહાયાનમાં તે બધું જ છે, જે ભગવાન બુધ્ધના પાયાના ઉપદેશ છે અને તે પણ બધું જ છે, જે હીનયાનમાં છે
અર્થાત મહાયાનમાં પણ "સમથ અને વિપશ્યના" તો  છે જ.
આ ઉપરાંત મહાયાનમાં ધણું વિશેષ પણ છે જ.

બોધિચિત્ત
નિર્વાણ પ્રાપ્ત મુક્ત પુરૂષના ચિત્તમાં સર્વને નિર્વાણ મળે તેવી ભાવના પ્રગટ થાય અને
તે માટે તે પોતાના નિર્વાણ પ્રવેશને રોકી રાખે તો તે ચિત્તને બોધિચિત્ત કહેવામાં આવે છે.

હીનયાનમાં "પોતાનું નિર્વાણ" ધ્યેય છે. મહાયાનમાં "સર્વને નિર્વાણ" ધ્યેય છે.

અનુત્તર પૂજા

મહાયાનમાં ભગવાન બુધ્ધની મૂર્તિઓ બની, મંદિરો બન્યા, પૂજા શરૂ થઈ
અને ભગવાન બુધ્ધની કૃપાનો પણ સ્વીકાર થયો છે. ભારતમાં સૌથી પહેલી મૂર્તિ ભગવાન બુધ્ધની બની છે.

પારમિતાગ્રહણ
પારમિતા એટલે પૂર્ણતા. પારમિતા છ છે, જેમની પ્રાપ્તિ મહાયાન સાધનાનો એક મૂલ્યવાન ભાગ છે.
  • દાન પારમિતા
  • શીલ પારમિતા
  • ક્ષાન્તિ પારમિતા
  • વીર્ય પારમિતા
  • ધ્યાન પારમિતા
  • પ્રજ્ઞા પારમિતા

બોધિસત્વ
હીનયાનમાં ભગવાન બુધ્ધની નિર્વાણ પ્રાપ્તિ પહેલાની અવસ્થાને બોધિસત્વ ગણવામાં આવે છે.
મહાયાનમાં નિર્વાણપ્રાપ્ત સિધ્ધ સર્વના નિર્વાણ માટે
પોતાના નિર્વાણને મુલતવી રાખે ત્યારે તેમને બોધિસત્વ કહેવામાં આવે છે.
હીનયાનમાં બુધ્ધ મુક્ત પુરુષ, પરંતુ "મહા માનવ" છે. મહાયાનમાં બુધ્ધ "ભગવાન બુધ્ધ" બને છે.


વજ્રયાન

હિનયાન અને મહાયાનમાં છે, તે સર્વ તો વજ્રયાનમાં છે, પરંતુ તે ઉપરાંત બીજું ઘણું તેમાં છે. ઘણું વિશિષ્ટ છે.
વજ્રયાનમાં સમર્થ વિપશ્યના, બોધિચિત્ત, અનુત્તરપૂજા, પારમિતાઓ આ સર્વ છે અને બીજું ઘણું અધિક પણ છે.

(૧) હિનયાનમાં બુધ્ધ પૂજા નથી. મહાયાનમાં બુધ્ધ પૂજા તો છે જ.
વજ્રયાનમાં આ ઉપરાંત બીજા દેવદેવીઓની પુજા-ઉપાસના પણ છે જ.
અવલોકિતેશ્વર તિબેટના અને તદ્દનુસાર વજ્રયાનના અધિષ્ઠાતા દેવ છે અને તારા અધિષ્ઠાત્રી દેવી છે
તેમની પૂજા થાય છે. આ ઉપરાંત ઘણાં દેવ-દેવીઓ છે.
વજ્રયાનમાં દેવ-પૂજાની જેમ મંડલ પૂજા પણ થાય છે. મંડલ પૂજા, એક તાંત્રિક પૂજાવિધિ છે.

(૨) વજ્રયાનમાં તાંત્રિક સાધના પણ ખૂબ છે, અપરંપાર છે.
દેવદેવીઓ, મંડલો, આદિ અનેકની તાંત્રિક ઉપાસના વજ્રયાનમાં પ્રચલિત છે.
આ સાધના બે પ્રકારની છે. આધ્યાત્મિક વિકાસ માટે અને નાની મોટી સિધ્ધિઓની પ્રાપ્તિ માટે,

તિબેટમાં બૌધ્ધ ધર્મ પહોંચ્યો ત્યાર પહેલાં તિબેટમાં બોન નામનો એક ધર્મ પ્રચલિત હતો.
આ બોન ધર્મ તાંત્રિક સારી-મેલી સાધનાનો જ ધર્મ હતો. તિબેટમાં મહાયાન બૌધ્ધ ધર્મ પહોંચ્યો
અને ફેલાયો પરંતુ સર્વત્ર બને છે તેમ તેના પર બોનધર્મની અસર પણ આવી
અને એક નવા યાનનો જન્મ થયો અને તે છે વજ્રયાન.

જાપાનમાં પણ બૌધ્ધ ધર્મ  પહોંચ્યો, અને ત્યાં પણ જાપાનની સ્થાનિક સંસ્કૃતિની અસર હેઠળ
બૌધ્ધ ધર્મના એક નવા સ્વરૂપનો પ્રારંભ થયો. ઝેન બૌધ્ધ ધર્મ.

આજે તિબેટનો પ્રધાન ધર્મ વજ્રયાન છે,
પરંતુ અવશેષ રૂપે થોડા બોનધર્મના અનુયાયીઓ અને બોન ધર્મ ગુરુઓ (બોનપા) પણ છે.

આમ વજ્રયાન ભગવાન બુધ્ધ પ્રણીત બૌધ્ધ ધર્મનું સર્વોચ્ચ, સર્વશ્રેષ્ઠ સ્વરૂપ છે
તે બૌધ્ધ ધર્મનું સર્વોચ્ચ સોપાન છે.
વજ્રયાનમાં હિનયાન અને મહાયાનના સર્વ મહત્વના તત્વો તો છે જ, પરંતુ તે બંનેથી અધિક પણ ઘણું છે.
Anil Pravinbhai Shukla (www.sivohm.com)