Showing posts with label saint-charitra. Show all posts
Showing posts with label saint-charitra. Show all posts
સેન્ટ ચરિત્ર 
જન્માષ્ટમી -3-9-18


જયારે જીવન માં અંધારું લાગતું હોય ,નિરાશાનું ગમગીન વાવરણ ફેલાઈ ગયું હોય ,આપત્તિ નો વરસાદ તૂટી પડ્યો હોય ,દુઃખ દૈન્ય ના કાળા વાદળ ધમકી દેતા ગડગડાટ કરતા હોય  ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ જન્મ લે છે ,
બધીજ દ્રષ્ટિ એ કૃષ્ણ પૂર્ણાવતાર છે   આધ્યામિક ,સામાજિક ,નૈતિક કે બીજી કોઈ પણ દ્રષ્ટિ થી જોશો તો તેના જેવો સમાજ ઉદ્ધારક કોઈ થયો  કૃષ્ણ ના તોલે ઉતરે તેવો રાજ નીતિજ્ઞ વિશ્વ માં થયો નથી
સત્તા અને સંપત્તિ વગર પણ સેંકડો લોકો નું સંગઠન કરી શકાય છે ,એ એમણે ગોકુલ માં કરી દેખાડ્યું ,
વૃધ્ધો ને પોતાના પુત્ર જેવા લાગતા ,યુવાનોને પોતાના મિત્ર લાગતા ,રાજાઓ ને તે રાજા જેવા લાગતા ,ભક્તો ને સ્વયં  પોતાના ભગવાન લાગતા ,સૌ ને તેમના પર પ્રેમ કરવાનો ઉમળકો થઈ આવતો ,
કૃષ્ણે બધાના હૃદય જીતીલીધા હતા ,સામાન્ય લોકોમાં તેમણે આત્મ પ્રત્યય ઉભો કર્યો ગોવાળિયા માં ભળી જેઇ જેહાદ જગાવી ,અઘાસુર અને બકાસુર ને માર્યા ,કાલીયા નાગ ને નાથ્યો ,અઘ એટલે પાપ  અને બક એટલે દંભ ,
ગોકુલ માં પાપી અને દંભી વિચાર નો નાશ કર્યો ,ઇન્દ્ર -વૈભાવ્ય નું પૂજન બંધ કરાવી ગો એટલે ઉપનિષદ ના વિચારો નું વર્ધન અને પ્રચાર કરનારાઓ નું પૂજન શરુ કરાવ્યું ,
ગોકુલ ને તેમણે સ્વાવલંબી ,આરોગ્ય સંપન્ન ,ઉદ્યમશીલ અને પેમાળ બનાવ્યું ,શણગાર તરીકે માથા પર મોર પીછ
ગાલા મોં ચણોઠી ની માલા ધારણ કરી ,ભરવાડો ની વેણુ ને પોતાની શોખ ની વસ્તુ બનાવી ,દેશ ના પશુ ધન પાર પ્રેમ કર્યો ,ગેડી -દાડા જેવી રમત અને મલ્લ કુસ્તી જેવા કસરતી દાવ -પ્રયોગ પ્રચલી કર્યા ,
કૃષ્ણ ગોકુલ માં જન્મે છે ,ગો એટલે ઇન્દ્રિય અને કુલ એટલે સમૂહ ,સ્વ ઈચ્છાઓ થી આ ઇન્દ્રિયો દોડે છે તેથી
જીવન માં અસ્વસ્થ્યતા ,અશાંતિ ,,ગડબડ આવે છે ,બેસૂરું જીવન એક સુર થી ચાલવું જોઈએ ,સમુદ્ર મંથન ની જેમ  હૃદય મંથન ચાલુ હોય છે ,મનોમંથન માં વિષ પણ આવે અને અમૃત પણ આવે પ્રેમ નો ચંદ્ર પણ ખીલે છે
કૃષ્ણ ગોપાલ છે ,ઇન્દ્રિયો ના સ્વામી બનશે ,ઇન્દ્રિયો ખાડા તરફ જતી હોય તો ખેંચી  લે શે ,
https://www.google.co.in/url?sa=i&rct

saint -charitra

રામદાસ સ્વામી (સંત-ચરિત્ર)

રાતનો વખત છે. વર લગ્ન મંડપમાં આવી ઊભો છે. ઉંમર માત્ર બાર વર્ષની છે.
બ્રાહ્મણોએ ઉચ્ચ સ્વરે ગર્જના કરી` સુમૂહૂર્ત સાવધાન!'
 બ્રાહ્મણોનો ઘોષ સાંભળી એ ચમક્યો`અરે, મારું વ્રત તો રામની ભક્તિ કરવાનું છે. હું આ શું કરી રહ્યો છું!' 
એકદમ મૂઠીઓ વાળી એ નાઠો. લોકોએ ઘણી શોધાશોધ કરી, પણ તેનો કંઈ પત્તો લાગ્યો નહિ

લગ્નમંડપમાં `સાવધાન' તો દરેક જગાએ બોલાય છે, 
પણ તે સાંભળીને સાવધાન થનારો આ એક જણ (નારાયણ કે-સમર્થ રામદાસ સ્વામી) નીકળ્યો.
એનું નામ નારાયણ.
તેણે ત્રણ ગાયત્રી પુરસ્યરણ કર્યા અને
`શ્રી રામ જય રામ જય જય રામ' એ તેર અક્ષરી મંત્રનો તેર કરોડ વખત જપ કરી મંત્ર સિદ્ધિ મેળવી. (ઈ.સ.1632)

પગમાં પાદુકા, હાથમાં માળા ને તુંબીપાત્ર, કાખમાં સમાધિની ઘોડી, માથે ટોપી ને શરીરે કફની- 
આ એમનો વેશ હતો. કઠોર તપસ્યાના બળે તેમનામાં અદ્ભુત શક્તિ આવી હતી, અને
તેમની ટહેલ હતીજય જય રઘુવીર સમર્થ!'
તેથી તેઓ `સમર્થ રામદાસ' નામે ઓળખાયા.

નારાયણનો જન્મ મહારાષ્ટ્રના જાંબ નામે ગામમાં બ્રાહ્મણ કુળમાં થયો હતો. ઈ.સ. 1608. તેમનાં માતાપિતા ધર્મનિષ્ઠ ભાવનાવાળાં હતાં. 
તેઓ એકનાથ મહારાજનાં ભક્ત હતાં અને ઘણીવાર તેમનાં દર્શન કરવા જતાં. બાળક નારાયણને ય એકનાથ મહારાજે આશીર્વાદ આપ્યા હતા.
બાળપણથી જ નારાયણનું ચિત્ત રામ અને રામભક્ત હનુમાનમાં લાગેલું હતું. એના મોટા ભાઈ ગંગાધર પણ રામભક્ત હતા અને રામમંત્ર જપતા હતા.

નારાયણ આઠ વર્ષનો થયો ત્યારે તેણે ગદાઘર પાસે રામમંત્ર માગ્યો. ગદાઘરે કહ્યું` હજી તું નાનો છે.' નારાયણને ખોટું લાગ્યું. 
તે ઘર છોડીને ભાગી ગયો અને ગોદાવરી તીરે જંગલમાં એક મંદિરમાં જઈ સૂતો.
મોટા થઈને તેણે પોતે એક કાવ્યમાં આ વિષે લખ્યું છે`મોટાભાઈએ ઉપદેશ દેવાની ના પાડી, એટલે મંદિરમાં જઈને હું ઊંઘી ગયો. 
ઊંઘમાંથી શ્રી રામે મને જગાડયો અને કાનોકાન મંત્ર સંભળાવ્યો!'રામના ભક્ત હોઈ નારાયણે `રામદાસ' નામ ધારણ કર્યું 
અને ટાકળી નામે ગામ પાસે ગોદાવરી અને નંદિનીના સંગમ આગળ એક ગુફામાં રહી બાર વરસ ઉગ્ર તપશ્ચર્યા કરી. 
બાર વર્ષની  તપશ્ચર્યા પૂરી થતાં રામદાસ તીર્થયાત્રાએ નીકળ્યા.

તેમણે બાર વર્ષ તીર્થયાત્રામાં કાઢયા; દ્વારકાથી જગન્નાથપુરી, ને હિમાલયથી કન્યાકુમારી સુધીનો બધો પ્રદેશ તેમણે પગ તળે કાઢયો! 
`પગે તીર્થયાત્રા અને મુખે રામનામ' આ એમનું સૂત્ર હતું. દરેક તીર્થમાં જે દેવ હોય તેની પૂજા કરતા. કહેતાઃ` બધાયે દેવો મારા રામ ચંદ્રની જ મૂતિઓ છે!'

 આ પ્રવાસમાં તેમણે દેશની ભયાનક દુર્દશા જોઈ. એનું વર્ણન કરતાં તેમણે કહ્યું છે`-એમને એટલી બધી નિરાશા થઈ કે તેઓ દેહ પાડી નાખવા જતા હતા. 
ત્યાં સ્વયં શ્રી રામે આવીને એમને પકડી લીધા ને આજ્ઞા કરી` સ્વધર્મની સ્થાપના કર ને જગતનો ઉદ્ધાર કર!'તીર્થયાત્રા પૂરી કરી 
તેઓ પાછા જાંબ આવ્યા ને `જય જય રઘુવીર સમર્થ!' ની ગર્જના કરી પોતાને જ ઘેર ભિક્ષા માગવા ગયા. વૃદ્ધ માતા ભિક્ષા આપવા આવી 
ત્યારે `મા, હું તારો નારાયણ' કહી તેઓ એના પગમાં પડયા. ચોવીસ વર્ષે માતાપુત્ર મળ્યાં.

માએ રામદાસને ઘરમાં જ રાખ્યા. રામદાસ રહ્યા. તેમણે માને ભાગવતકથા સંભળાવી. મા પ્રસન્ન થયાં. રામદાસે હવે જવાની રજા માગી. 
માએ કહ્યું` ભલે જા, પણ મારો અંતકાળ સાચવજે!' રામદાસે કહ્યું` સાચવીશ!' બસ, પછી એ ચાલી નીકળ્યા.

હવે સમર્થનું જીવનકાર્ય શરૂ થયું. સમર્થ કાયમ ફરતા જ રહેતા હતા. એમનો શિષ્ય સમુદાય વધતો જતો હતો. ઠેરઠેર મંદિરો ને મઠો સ્થપાયા હતા. 
શિષ્યોને તેઓ કહેતાઃ-સમર્થના શિષ્યોનો એક નવો સંપ્રદાય ઊભો થઈ ગયો. તેને `રામદાસી સંપ્રદાય' કે `સમર્થ સંપ્રદાય' કહે છે. 
રામની ઉપાસના દ્વારા તેમણે લોકો આગળ `રામરાજ્યનું ધ્યેય' રજૂ કર્યું. તે માટે એમનો ખાસ ઉપદેશ હતો`સમુદાય કરાવા! - સંગઠન કરો, એક થાઓ!'

`પહેલું હરિકથા-નિરુપણ અને બીજું દેવ, ધર્મ અને ગોબ્રાહ્મણના હિતાર્થે રામરાજ્યની સ્થાપના'-
આ સમર્થનું લક્ષ્ય હતું.
હરિકથા-નિરુપણ એ એમની હાથની વાત હતી. પણ બીજા વગર પહેલાનો પ્રભાવ નહોતો

એ એમણે દેશમાં બધે ફરીને જોઈ લીધું હતું. તેથી એમણે `સમુદાય કરાવા' ની હાકલ કરી.
તેમની કલ્પનાનું સ્વરાજ્ય શિવાજી દ્વારા સ્થપાશે એવો એમને વિશ્વાસ હતો.એકવાર શિવાજીએ સમર્થના પગમાં માથું મૂકી કહ્યું
` પ્રભુ, મને મંત્રદીક્ષા આપો!'સમર્થે એમને `શ્રીરામ જયરામ જયજયરામ' નો મંત્ર આપ્યો. ઈ.સ.1649.

હવે શિવાજીએ કહ્યું`પ્રભુ, બીજા શિષ્યોની પેઠે મને પણ તમારી સેવામાં રાખો!'હસીને સમર્થે કહ્યું`તારો ધર્મ ક્ષાત્રધર્મ છે. પ્રજાનું પાલન કર, 
વિધર્મીના હાથમાંથી દેશને મુક્ત કરી સ્વધર્મની સ્થાપના કર! રામની તને આ આજ્ઞા છે.'
આમ કહી તેમણે એને એક શ્રીફળ, એક મૂઠી માટી, બે મૂઠી ઘોડાની લાદ, અને ચાર મૂઠી કાંકરા પ્રસાદમાં આપ્યા 
ને આશીર્વાદ આપ્યાઃ` શિવબા, તું ધન્ય છે. તારી ચિંતા શ્રી હરિને માથે છે.'

શિવાજી ચતુર હતા. તેઓ આ પ્રસાદનો અર્થ સમજી ગયા. ઘેર જઈ માતા જિજાબાઈને તેમણે એ અર્થ કહ્યો`નાળિયેર મારા કલ્યાણને માટે છે. 
માટી એટલે પૃથ્વી, કાંકરા એટલે કિલ્લા, લાદ એટલે ઘોડેસવારો! હું પૃથ્વીપતિ બનીશ, ઘણા કિલ્લા મારા હાથમાં આવશે અને અસંખ્ય ઘોડેસવારો મારા સૈન્યમાં હશે.'

શિવાજીનું રાજ્ય જેમ વધતું હતું તેમ સમર્થ પરની તેમની ગુરુભક્તિ પણ વધતી જતી હતી.
એકવાર રામદાસને ઘેર ઘેર ભિક્ષા માગતા જોઈ તેમણે એમની ઝોળીમાં એક ચિઠ્ઠી લખીને નાખી.
ચિઠ્ઠીમાં લખ્યું હતું` મારું સમસ્ત રાજ્ય હું આપના ચરણમાં સમર્પ઼ું છું. તમે માલિક, હું દાસ!'

એ ભિક્ષાન્નનો પ્રસાદ લીધા પછી સમર્થે શિવાજીને કહ્યું`હવે આ રાજ્ય મારું છે, પણ મારી વતી એનો ભાર ઉપાડવા હું તને આજ્ઞા કરું છું. 
લે આ મારું ઉત્તરીય! એનો તું ધ્વજ બનાવજે! શ્રી રામની કૃપાથી તું જે મન પર લેશે તે સિદ્ધ થશે.'

શિવાજીએ આજ્ઞા માથે ચડાવી. ત્યારથી એના રાજ્યમાં ભગવો ઝંડો ફરકવા લાગ્યો. શિવાજીના સહી સિક્કા સાથેનો શકે 1600
આસો સુદ દશમ (તા. 15-10-1678)નો સમર્થ ઉપર લખેલો પત્ર મળી આવ્યો છે શિવાજી સાત્વિક પ્રકૃતિના હતા. ત્રણ વાર એમણે સંસાર-ત્યાગ કરવાની તૈયારી કરેલી.
બે વાર સમર્થે અને એકવાર તુકારામે તેમને તેમ કરતાં વાર્યા હતા.

સમર્થ મહાન સંત છે, સિદ્ધ છે, પણ પોતાની અતિ ઉચ્ચ ભૂમિકાએથી નીચે ઊતરી તેઓ લોકોનાં સુખ દુખમાં ભાગ લે છે ને કહે છે
`જ્યાં જગત છે ત્યાં જ જગન્નાયક છે. જે જગતના અંતર સાથે એક થશે તે પોતે જ જગતનું અંતર બની જશે.'


અચાનક એક દિવસ સમર્થને થયું કે મા યાદ કરે છે. 
માનો અંતકાળ સાચવવાનું પોતે વચન આપ્યું હતું તે યાદ આવ્યું. (ઈ.સ.1655). તેઓ પોતાની ઓરડીમાં પેઠા અને શિષ્યોને આજ્ઞા કરી
` ઓરડીનું બારણું બંધ કરી બહાર તાળુ મારી દો! સોળ દિવસે ઉધાડજો!'
શિષ્યો સમજ્યા કે ગુરુ સમાધિમાં બેસવાના છે.તે વખતે જાંબમાં માતા રાણુબાઈ છેલ્લો શ્વાસ લેતા હતાં
અચાનક `મા, હું તારો નારાયણ!' કહેતા સમર્થ ત્યાં પ્રગટ થયાં. માતાએ રામ નામના ઉચ્ચાર સાથે શાંતિથી પુત્રના ખોળામાં દેહ-ત્યાગ કર્યો.
સોળ દિવસ પૂરા થતાં શિષ્યોએ બારણું ઉધાડી જોયું તો ગુરુજી ક્ષૌરકર્મ કરી બેઠેલા હતા! તેમણે કહ્યું`મારાં માતાજીનાં છેલ્લાં દર્શન કરવા જાંબ ગયો હતો. 
ત્યાં શ્રાદ્ધવિધિ થઈ ગયા પછી અહીં આવ્યો છું.'

એકવાર શિષ્યો સાથે સમર્થ જતા હતા. રસ્તામાં ભૂખ લાગવાથી શિષ્યોએ જુવારના ખેતરોમાંથી ડૂંડા તોડી પોંક પાડયો. 
ખેતરવાળાઆએને ખબર પડતાં એમણે સમર્થને લાકડીએ લાકડીએ  ઝૂડી નાખ્યા.શિવાજીને આ વાતની ખબર પડી એટલે એ ખેડૂતો પર ગુસ્સે થયા.
તેમણે સમર્થને કહ્યું` કહો, આ લોકને શી સજા કરું?'
સમર્થે કહ્યું` એમને પાઘડી શેલુ પહેરાવી ઈનામ આપો! વાંક એમનો નથી અમારો છે'

એકવાર મઠમાં ચોરી કરવા ચોર પેઠા. બધા જાગી ગયા. શિષ્યો કહે`મહારાજ, મઠમાં ચોર ભરાયા છે.'સમર્થ કહે` કંઈ લઈ જશે તો રામનું જશે! 
આપણું અહીં શું છે?'શિષ્યો કહે` એટલે ચોરી થવા દેવી?'`શા સારુ ન થવા દેવી?'`પણ ભગવાનના ઘરમાં ચોરી?'`તો શું ભગવાનનું ઘર તમારું છે ને ચોરનું નથી? 
ધન અહીં હોય કે ચોરને ઘેર હોય, એ ઉદરનિર્વાહમાં જ વપરાવાનું છે ને!'ચોર આ સાંભળતા હતા. તેમને હ્રદય પલટો થઈ ગયો. 
સમર્થના પગમાં પડી તેમણે માફી માંગી. સમર્થે તેમને જમાડીને વિદાય કર્યા.

સમર્થ મરાઠી ભાષાના એક મોટા કવિ ગણાય છે. તેમની કવિતામાં નસીબવાદ કે નિરાશાને સ્થાન નથી. 
એમણે શક્તિ અને પરાક્રમનું જ ગાન ગાયું છે. સમર્થનું બીજું આવું સુંદર સ્તોત્ર `કરુણાષ્ટક' છે. શિવજીના ઉદયથી મહારાષ્ટ્ર ખરેખરું મહા રાષ્ટ્ર બન્યું હતું.

અંતકાળ પાસે આવ્યો ત્યારે સમર્થે અન્નજળનો ત્યાગ કર્યો. નવમે દિવસે પરોઢિયે તેઓ રામની મૂર્તિ સામે ભોંય પર બેઠા. ગુરુના થનાર વિયોગથી શિષ્યો રડવા લાગ્યા. 
તે પછી એમણે એકવીસ વાર `હર હર' કહી `શ્રી રામ' શબ્દ ઉચ્ચાર્યો. તે જ પળે તેમણે દેહ છોડી દીધો. તે વખતે તેમની ઉંમર 78 વર્ષની હતી.
ઈ.સ.1681 શકે 1603 મહા વદ નવમી, શનિવાર.

એમનો મુખ્ય ગ્રંથ `દાસબોધ' છે.
એમણે `મનાચે શ્લોક' નામે 205 કડીનું એક ભાવવાહી સ્તોત્ર લખ્યું છે જે ખૂબ જ જાણીતું છે.
એકવાર મઘરાતે તેમણે એક શિષ્યને કહ્યું` લખ!' એ બોલતા ગયા ને શિષ્ય લખતો ગયો.
આમ મનાચે શ્લોકનું આખું સ્તોત્ર લખાયું.
શિષ્યો ભિક્ષા માગવા જાય ત્યારે એક ઘર આગળ એક શ્લોક બોલે, ને ત્યાંથી ભિક્ષા લઈ બીજે ઘેર એટલે બીજો શ્લોક બોલે!
આ શ્લોકની લોકો પર ખૂબજ અસર થઈ. આજે પણ એની એટલી જ અસર છે.
સમર્થ એમાં કહે છે`હે મન, તું પરમ સમર્થ અને ભક્તવત્સલ રામને શરણે જા! રામનું ભજન કર! રામનો મહિમા ગા! રામ એ જ બ્રહ્મ છે; રામ એ જ આદિ અને અંત છે.'


તેમાં કહે છે` અરે મારા ભીરુ મન, ભવસાગરથી શાને આટલું ડરે છે? માથા ઉપર રઘુપતિ રામ બેઠો છે. જમરાજા પોતે આવે તોય એનું અહીં શું ચાલવાનું છે? 
કોની માએ શેર સૂંઠ ખાધી છે જે રામના દાસની ઉપર વક્રદૃષ્ટિ કરે?'
સમર્થે તેને `આનંદવન  ભુવન' કહ્યું છે ને તેનું સુંદર સ્તોત્ર રચ્યું છે. જાણે મહારાષ્ટ્રનું રાષ્ટ્રગીત!

તેમાં તેઓ કહે છે`ભલા, એકવાર મારું આનંદભુવન તો જો! અહીં કેવો આનંદ ઊછળી રહ્યો છે એ જો! એ જોઈને `અહીં જ ફરી મારો જન્મ થાઓ!'
 એવું તું ઈશ્વરને પ્રાર્થના કર્યા વિના રહેવાનો નથી! મેં સ્વપ્નમાં જે જોયેલું તે આજે પ્રત્યક્ષ જોઉં છું.'
www.sivohm.com (for lot more)

Saint charitra

સંત  એકનાથ-જીવન ચરિત્ર


મહારાષ્ટ્રમાં પૈઠણ એક તીર્થસ્થળ ગણાય છે. ત્યાં એકસો આઠ સંતો થઈ ગયા એમ કહેવાય છે.
મહાત્મા એકનાથનો જન્મ પૈઠણના એક બ્રહ્મનિષ્ઠ બ્રાહ્મણ પરિવારમાં સંવત 1590માં થયો હતો.

એકનાથ ઘણાં વરસ સુધી ગુરુની સેવા કરી જ્ઞાનના અધિકારી થયા હતા. તેમણે પોતે કહ્યું છે` હું ગુરુસેવામાં એવો તલ્લીન થઈ જતો કે તરસ જળને ભૂલી જતી અને ભૂખ અન્નને ભૂલી જતી! આવી ગુરુભક્તિ હોય, પછી જ્ઞાન કેમ ન આવે?`
ભાગવત એ એકનાથનું પ્રિય પુસ્તક હતું. તેઓ તેની કથા કરતા અને તેનો અર્થ સૌને સમજાવતા. તેઆએ ભજનો પણ બનાવતા ને ગાતા.
તેમનાં પત્ની ગિરિજાબાઈ પણ તેમના જ ભગવદ્ભક્ત હતા. અતિથિસેવા એ તેમનું મુખ્ય કાર્ય હતું.

એકવાર એકનાથને ત્યાં શ્રાદ્ધ નિમિત્તે બ્રાહ્મણો ભોજન કરવાના હતા. એવામાં કેટલાક હરિજનો તેમના ઘર આગળ થઈને નીકળ્યા. પકવાનની મીઠી સુગંધ આવતાં તેમનાથી બોલાઈ ગયું`કેટલાં પુષ્ણ કર્યા હોય ત્યારે આવું ખાવાનું મળે!
આ શબ્દો એકનાથના કાને ગયા. તેમણે તરત જ હરિજનોને કહ્યું` રસોઈ તેયાર છે, જમવા પધારો!
ગિરિજાબાઈએ એમાં ઉમેર્યુઃ`એકલા નહિ, સહકુટુંબ આવવાનું!`
અને ખરેખર, એમણે હરિજનોને સહકુટુંબ જમાડયા.

તે પછી ગિરિજાબાઈ બ્રાહ્મણો માટે ફરી રસોઈ કરવા બેઠાં. પણ એકવાર બ્રાહ્મણો માટે કરેલી રસોઈ હરિજનોને ખવડાવી દીધી, તેથી બ્રાહ્મણો ગુસ્સે થયા હતા. તેમણે જમવા આવવાની ના પાડી.
ત્યારે એકનાથના એક શિષ્ય શ્રીખંડે કહ્યું`પ્રભુ, આજે તમે એવું સત્કર્મ કર્યું છે કે પિતૃઓ પોતે આવીને ભોજન લેશે!
પાતળો નખાઈ ને ભાણાં પીરસાયાં. પછી ચમત્કાર થયો. સ્વર્ગમાંથી પિતૃઓ ઊતરી આવ્યાં ને ભોજન કરવા બેસી ગયા.
બ્રાહ્મણોએ છુપાઈને આ જોયું. હવે તેમને પસ્તાવો થયો કે ભોજન ખોયું ને સાથે આબરૂ યે ખોઈ.

કહે છે કે એકનાથની ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન પોતે શ્રીખંડ નામ ધરી એમને ઘેર રહ્યા હતા ને બાર વરસ સુધી એમણે એમની સેવા કરી હતી.

એકનાથને ઘેર રોજ કથાકીર્તન ચાલતાં. એકનાથ કહેતાઃ` બધે પ્રભુનો વાસ છે. કોઈ ઊંચ નથી, કોઈ નીચ નથી. કોઈ બ્રાહ્મણ નથી, કોઈ ભંગી નથી, અથવા કહો તો બધા બ્રાહ્મણ છે, બધા ભંગી છે! બધા પરમાત્મા સ્વરૂપ છે.

રાણો હરિજન રોજ આ સાંભળે. એકનાથ મહારાજ પર એને એવી ભક્તિ કે એક દિવસ એણે કહ્યું` મહારાજ, એકવાર મારે ત્યાં જમવા પધારો!`
`કાલે જ !` એકનાથે કહ્યું.

બીજે દિવસે એકનાથ રાણા હરિજનને ઘેર ગયા. હરિજને આંગણું લીંપીગૂંથીને તૈયાર કર્યું હતું. તેમાં રંગોળી પૂરી પાટલા ઢાળ્યા હતા. તુલસી-ક્યારે દીવો કર્યો હતો, ને ધૂપથી વાતાવરણ મધમધતું હતું! હરિજન દંપત્તીએ ભક્તની પૂજા કરી, ભક્તે આનંદથી ભોજન કર્યું.
આખા ગામમાં આ વાત ફેલાઈ ગઈ. બ્રાહ્મણો એકનાથને `ભ્રષ્ટ ચંડાળ` કહી ભાંડવા લાગ્યા. એકનાથ કહે` મારી નિંદા કરનારાઓ મારાં પાપ ધૂએ છે. તેઓ મારા ગુરુ છે. હું તેમને પ્રણામ કરું છું.`

એકનાથ કદી પણ કોઈના પર ગુસ્સે થતા નહિ. એકનાથના નિંદકોએ એક ગરીબ બ્રાહ્મણને ઉશ્કેર્યો`તું એકનાથને ગુસ્સે કરે તો અમે તને બસો રૂપિયા ઈનામ આપશું!`
બ્રાહ્મણ એકનાથના ઘેર ગયો. એકનાથ તે વખતે પૂજા કરવા બેઠેલા હતા. જોડા પણ કાઢયા વગર બ્રાહ્મણ પૂજાઘરમાં ઘૂસી ગયો ને ધબ દઈને એકનાથના ખોળામાં બેસી ગયો. આવે વખતે કોઈ પણ માણસ ગુસ્સે થઈ જાય, પણ એકનાથ ન થયા. તેમણે કહ્યું`આપનો મારા પર આ સ્નેહભાવ જોઈ મને બહુ આનંદ થાય છે.`
બ્રાહ્મણ ભોંઠો પડી ગયો. પણ તેને બસો રૂપિયાનો લોભ હતો. તેથી તેણે કહ્યું` મને ભૂખ લાગી છે.`
એકનાથ બ્રાહ્મણને લઈ જમવા બેઠા. ગિરિજાબાઈ પીરસવા નમ્યાં, ત્યાં બ્રાહ્મણ કૂદીને તેમની પીઠ પર સવાર થઈ ગયો. તોયે એકનાથ ગુસ્સે થયા નહિ. તેમણે ગિરિજાબાઈને કહ્યું`સાચવજો, બ્રાહ્મણ પડી ન જાય!`
ગિરિજાબાઈ કહે`પુત્રને આમ પીઠે વળગાડી ફરવાની મને ટેવ છે, એટલે ચિંતા ન કરો!`
કાપો તો લોહી ન નીકળે એવી બ્રાહ્મણની દશા થઈ. એકનાથ અને ગિરિજાબાઈના પગમાં પડી તેણે એમની માફી માંગી આંસુથી એમના પગ ધોયા. રોતાં રોતાં એણે કહ્યું` બસો રૂપિયાના લોભે તમને ગુસ્સે કરવા મેં આ પાપ કર્યું છે.`
એ સાંભળી એકનાથે કહ્યુ` તો પહેલાથી એવું કહેવું હતું ને, હું ગુસ્સે થાત.` બોલતાં બોલતાં એ હસી પડયા.

આવો એક બીજો પ્રસંગ છે.
એકનાથ રોજ નદીએ નહાવા જતાં. રસ્તામાં એક મુસલમાનનું ઘર આવતું. કોઈ કોઈ વાર એ મુસલમાન એકનાથ નહાઈને ઘેર જતા હોય ત્યારે એમના પર થૂંકતો. એકનાથ ફરી નહાવા જાય. નહાઈને બહાર આવે એટલે ફરી એમના પર થૂંકે. કોઈ કોઈ વાર તો એકનાથને આવી રીતે ચારપાંચ વાર નહાવું પડતું, પણ એ કદી ગુસ્સે થતા નહિ.
એક દિવસ આ મુસલમાન હઠે ચડયો. બે પાંચ દશ વખત નહિ, પણ એકસો ને આઠ વાર એ એકનાથની ઉપર થૂંકયો.તોય એકનાથના મનની શાંતિ તૂટી નહિ. છેવટે મુસલમાન શરમાયો. એણે એકનાથના પગમાં પડી એમની માફી માંગી.

એકનાથના ઘરમાં અતિથિઓનું આઠે પહોર સ્વાગત થતું. એકવાર મઘરાતે અતિથિ આવી ચડયા. એમને માટે રસોઈ કરતાં બળતણ ખૂટયું તો એકનાથે ઘરના છાપરામાંથી વળીઓ ખેંચી કાઢી! એ વળીઓ બાળીને રસોઈ કરી ગિરિજાબાઈએ અતિથિઓને જમાડયા.

એકવાર એકનાથના ઘરમાં ચોરો ચોરી કરવા આવ્યા. તેમણે લેવાય તે લઈ લીધું. પછી બીજા ઓરડામાં ગયા, તો ત્યાં એકનાથ ઘીનો  દીવો કરી હરિસ્મરણ કરતા બેઠા હતા. તેમણે આંગળીઓથી પોતાની વીંટી કાઢી આપી ચોરોને કહ્યું` આ પણ લઈ જાઓ, કામ લાગશે!`
ચોરોએ એકનાથના પગમાં પડી માફી માંગી. એકનાથે ગિરિજાબાઈને જગાડી રસોઈ કરાવી ચોરોને જમાડયા ને પ્રસાદ બંધાવી વિદાય કર્યા.

એકનાથે આખા ભારતની યાત્રા કરી હતી. એકવાર કેટલાંક સંતો સાથે તેઓ કાશીથી કાવડમાં ગંગાજળ લઈ રામેશ્વર જતા હતા. ગંગાજળ ભગવાન રામેશ્વરને ચડાવવાનું હતું. રસ્તે જતાં એકનાથે એક ગધેડાને મરવા પડેલો જોયો. ઉનાળાના દિવસો હતા. ગધેડો પાણી વિના ભોંય પર તરફડતો હતો. એકનાથને દયા આવી. એમણે ખભેથી કાવડ ઉતારી બધું ગંગાજળ મરતા ગધેડાને પાઈ દીધું! ગધેડો બચી ગયો.
એકનાથના સાથીઓએ કહ્યું` આ શું કર્યું? ભગવાનનું ગંગાજળ ગધેડાને પાઈ દીધું? હવે રામેશ્વરને શું ચડાવશો?`
એકનાથે કહ્યું` ગંગાજળ મેં રામેશ્વરને જ ચડાવ્યું છે. ગધેડામાં પણ એ જ રામેશ્વર છે.
એકનાથ આવા દયાળુ અને સમદૃષ્ટિવાળા હતા.

એકનાથને હરિ નામે પુત્ર હતો.
એ સંસ્કૃત ભાષાનો મોટો પંડિત હતો. એકનાથ મરાઠી ભાષામાં કથા કરતા ને ભજનો લખતા તે હરિ પંડિતને ગમતું નહિ. તે કહેતો `મરાઠી તે કંઈ ભાષા છે!`

એકવાર  પૈઠણની એક બાઈએ પતિની માંદગીમાં એક હજાર બ્રાહ્મણોને જમાડવાની બાધા લીધી હતી. પણ પછી પતિ ગુજરી ગયો અને ઘરની હાલત એવી ખરાબ થઈ ગઈ કે ચારે બ્રાહ્મણનેય ન જમાડી શકે. એણે કોઈ શાસ્ત્રાળની સલાહ લીધી. શાસ્ત્રાળએ કહ્યું`બાઈ, તું એક જ જ્ઞાની બ્રાહ્મણને જમાડે તો એ એક હજાર બ્રાહ્મણોને જમાડયા બરાબર છે.`
વિચાર કરી કરીને બાઈએ એકનાથને જમાડવાનું નક્કી  કર્યું. હરિ પંડિતે રસોઈ કરી અને એકનાથને જમ્યા. પિતા જમીને ઊઠયા એટલે પુત્રે તેમની એંઠી પતરાવળીઓ ફેંકી દેવા માટે ઉપાડી, તો નીચે બીજી દેખાઈ.બીજી ઉપાડી તો ત્રીજી દેખાઈ. ત્રીજી ઉપાડી તો ચોથી દેખાઈ. આમ પૂરી એક હજાર પતરાવળી થઈ.

હરિ પંડિત વિચારમાં પડી ગયા. એમને ખાતરી થઈ કે પિતા સંસ્કૃતના પંડિત નથી, પણ એ ખરેખરા જ્ઞાની છે! માત્ર સંસ્કૃતના પંડિત થવાથી જ્ઞાની થવાતું નથી. હરિ પંડિતનો અહંકાર ઓગળી ગયો.

એકનાથે શ્રીમદ્ ભાગવત ઉપર સુંદર ગ્રંથ લખ્યો છે. તે `એકનાથી ભાગવત` નામે વિખ્યાત છે.
તેમણે અસંખ્ય ભજનો લખ્યાં છે. જ્ઞાનેશ્વર મહારાજ પ્રત્યે તેમને ખૂબ જ પૂજ્યભાવ હતો. જ્ઞાનેશ્વરી ગીતામાં લહિયાઓની બેદરકારીને લીધે ઘણી અશુદ્ધિઓ ધૂસી ગઈ હતી. એકનાથે તે બધી દૂર કરી પોતાના હાથે તેની શુદ્ધ પ્રત તૈયાર કરી, જે આજે આપણે વાંચીએ છીએ.

એકનાથે જોયું કે હવે મારું જીવનકાર્ય પૂરું થઈ ગયું છે. એટલે એમણે દેહ ત્યાગ કરવાનો નિર્ણય કર્યો અને દિવસ નક્કી  કરી મહિના અગાઉથી એની જાહેરાત કરી. ગામેગામથી લોકોનાં ટોળે ટોળાં એમનાં છેલ્લા દર્શન કરવા અને એમની છેલ્લી વાણી સાંભળવા આવ્યાં.
એક નાથ હવે સૌની સાથે ભજન ગાતા ગાતા નદીએ ગયા. ત્યાં પણ ભજનોની ધૂન ચાલી.
પછી એકનાથે નદીમાં સ્નાન કર્યું, ઊંચા આસન ઉપર પલાઠી વાળીને બિરાજ્યા, ને લોકોને ઉપદેશ આપ્યો`હવે હું જાઉં છું. ભાગવત ધર્મનું પાલન કરજો, હળીમળીને રહેજો, વિઠોબાના ચરણનું શરણ લેજો ને મનુષ્યજન્મ સાર્થક કરજો!
એમ કહી તેઓ આંખો મીંચી ધ્યાનમાં બેઠાં. તે જ ઘડીએ એમણે દેહનો ત્યાગ કર્યો. સંવત 1656 ચૈત્ર વદ છઠ. તે વખતે તેમની ઉંમર છાસઠ વર્ષની હતી.

saint-charitra-1

બુદ્ધ ધર્મ વિષે-ની સરળ સમજ

હીનયાન, મહાયાન અને વજ્રયાન આ બૌધ્ધ ધર્મના ત્રણ પ્રકારો નથી,
પરંતુ ત્રણ સોપાન છે.

વજ્ર એટલે ન ભેદી શકાય તેવું કે ન બદલી શકાય તેવું યાન એટલે કે વહાણ કે વાહન.
વજ્રયાન સમર્થ છે, ન ભેદી શકાય તેવો પ્રચંડ સામર્થ્યવાન છે, તેથી તેને વજ્ર કહે છે
અને તે અવિદ્યાના સાગરને તરી જવા માટેનું વહાણ કે વાહન છે, તેથી તેને યાન કહેલ છે.
આમ વજ્ર અને યાન બંને શબ્દ મળીને વજ્રયાન શબ્દ બને છે.
સંયુક્ત અર્થ થશે વજ્રયાન એટલે અવિદ્યાના સાગરને તરવા માટેનું સામર્થ્યવાન વહાણ.

ભગવાન બુધ્ધ પ્રણીત બૌધ્ધ ધર્મના પ્રત્યેક યાનમાં આટલું તો સર્વ સામાન્ય છે,
જેને આપણે બૌધ્ધ ધર્મના પાયાના સિધ્ધાંતો કહી શકીએ.

ત્રિરત્ન

(૧) બુધ્ધં શરણં ગચ્છામી (૨) ધર્મં શરણં ગચ્છામી (૩) સંઘં શરણં ગચ્છામી

ચાર આર્ય સત્ય

(૧) દુઃખ છે. (૨) દુઃખનું કારણ તૃષ્ણા છે. (૩) દુઃખનું નિવારણ શક્ય છે.
(૪) દુઃખના નિવારણનો ઉપાય છે- આર્ય અષ્ટાંગપથ

આર્ય અષ્ટાંગપથ

(૧) સમ્યક્‌ દ્દષ્ટિ (૨) સમ્યક્‌ સંકલ્પ (૩) સમ્યક્‌ વાચા (૪) સમ્યક્‌ કર્મ
(૫) સમ્યક્‌ આજીવિકા (૬) સમ્યક્‌ વ્યાયામ (૭) સમ્યક્‌ સ્મૃતિ (૮) સમ્ય‌ક્‌ સમાધિ.

આર્ય અષ્ટાંગ માર્ગના ત્રણ ચરણ

સમ્યક્‌ વાણી, સમ્યક્‌ કર્મ અને સમ્યક્‌ આજીવિકા-આ ‘શિલ સ્કંધ’ છે.
સમ્યક્‌ વ્યાયામ, સમ્યક્‌ સ્મૃતિ અને સમ્યક્‌ સમાધિ-આ ‘સમાધિ સ્કંધ’ છે.
સમ્યક્‌ દ્દષ્ટિ અને સમ્યક્‌ સંકલ્પ-આ ‘પ્રજ્ઞા સ્કંધ’ છે.

બ્રહ્મ વિહાર

(૧) મૈત્રી (૨) કરૂણા (૩) મુદિતા (૪) ઉપેક્ષા

બુધ્ધનો આ ઉપદેશ તો બૌધ્ધ ધર્મના સર્વયાનમાં સર્વમાન્ય છે, બૌધ્ધ ધર્મનો પાયો છે.
 ------------------------------------------------------------------------------------------------------------------------- 
(૧) હીનયાન
હીનયાનમાં અહીં હીન શબ્દનો હલકું ઉતરતું, એવો નથી. અહીં હીનનો અર્થ છે નાનું
મહાયાનની તુલનાએ આ સમુદાય નાનો હતો, તેથી તેને મહાયાનીઓએ હીનયાન અર્થાત નાનો યાન કહેલ છે.
હીનયાનનું ખરું નામ "થેરાવાદ" છે.
હીનયાનઓનો એવો દાવો છે કે ભગવાન બુધ્ધના યથાર્થ ઉપદેશને તેઓ જ વળગી રહ્યા છે.

હીનયાનની આધ્યાત્મિક સાધના એ છે "સમથ અને વિપશ્યના"
"સમથ" તો પ્રારંભિક ધ્યાન પધ્ધતિ છે. પરંતુ "વિપશ્યના" ખૂબ ઉચ્ચ કોટિની અને મૂલ્યવાન સાધના પધ્ધતિ છે.

ભગવાન બુધ્ધનું પૃથ્વીને સર્વશ્રેષ્ઠ પ્રદાન શું ? "વિપશ્યના"

(૨) મહાયાન
મહાયાન એટલે મોટું યાન. મહાયાનમાં મોટો સમૂદાય હતો તેથી તેને મહાયાન કહેવામાં આવે છે.
મહાયાનમાં તે બધું જ છે, જે ભગવાન બુધ્ધના પાયાના ઉપદેશ છે અને તે પણ બધું જ છે, જે હીનયાનમાં છે
અર્થાત મહાયાનમાં પણ "સમથ અને વિપશ્યના" તો  છે જ.
આ ઉપરાંત મહાયાનમાં ધણું વિશેષ પણ છે જ.

બોધિચિત્ત
નિર્વાણ પ્રાપ્ત મુક્ત પુરૂષના ચિત્તમાં સર્વને નિર્વાણ મળે તેવી ભાવના પ્રગટ થાય અને
તે માટે તે પોતાના નિર્વાણ પ્રવેશને રોકી રાખે તો તે ચિત્તને બોધિચિત્ત કહેવામાં આવે છે.

હીનયાનમાં "પોતાનું નિર્વાણ" ધ્યેય છે. મહાયાનમાં "સર્વને નિર્વાણ" ધ્યેય છે.

અનુત્તર પૂજા

મહાયાનમાં ભગવાન બુધ્ધની મૂર્તિઓ બની, મંદિરો બન્યા, પૂજા શરૂ થઈ
અને ભગવાન બુધ્ધની કૃપાનો પણ સ્વીકાર થયો છે. ભારતમાં સૌથી પહેલી મૂર્તિ ભગવાન બુધ્ધની બની છે.

પારમિતાગ્રહણ
પારમિતા એટલે પૂર્ણતા. પારમિતા છ છે, જેમની પ્રાપ્તિ મહાયાન સાધનાનો એક મૂલ્યવાન ભાગ છે.
  • દાન પારમિતા
  • શીલ પારમિતા
  • ક્ષાન્તિ પારમિતા
  • વીર્ય પારમિતા
  • ધ્યાન પારમિતા
  • પ્રજ્ઞા પારમિતા

બોધિસત્વ
હીનયાનમાં ભગવાન બુધ્ધની નિર્વાણ પ્રાપ્તિ પહેલાની અવસ્થાને બોધિસત્વ ગણવામાં આવે છે.
મહાયાનમાં નિર્વાણપ્રાપ્ત સિધ્ધ સર્વના નિર્વાણ માટે
પોતાના નિર્વાણને મુલતવી રાખે ત્યારે તેમને બોધિસત્વ કહેવામાં આવે છે.
હીનયાનમાં બુધ્ધ મુક્ત પુરુષ, પરંતુ "મહા માનવ" છે. મહાયાનમાં બુધ્ધ "ભગવાન બુધ્ધ" બને છે.


વજ્રયાન

હિનયાન અને મહાયાનમાં છે, તે સર્વ તો વજ્રયાનમાં છે, પરંતુ તે ઉપરાંત બીજું ઘણું તેમાં છે. ઘણું વિશિષ્ટ છે.
વજ્રયાનમાં સમર્થ વિપશ્યના, બોધિચિત્ત, અનુત્તરપૂજા, પારમિતાઓ આ સર્વ છે અને બીજું ઘણું અધિક પણ છે.

(૧) હિનયાનમાં બુધ્ધ પૂજા નથી. મહાયાનમાં બુધ્ધ પૂજા તો છે જ.
વજ્રયાનમાં આ ઉપરાંત બીજા દેવદેવીઓની પુજા-ઉપાસના પણ છે જ.
અવલોકિતેશ્વર તિબેટના અને તદ્દનુસાર વજ્રયાનના અધિષ્ઠાતા દેવ છે અને તારા અધિષ્ઠાત્રી દેવી છે
તેમની પૂજા થાય છે. આ ઉપરાંત ઘણાં દેવ-દેવીઓ છે.
વજ્રયાનમાં દેવ-પૂજાની જેમ મંડલ પૂજા પણ થાય છે. મંડલ પૂજા, એક તાંત્રિક પૂજાવિધિ છે.

(૨) વજ્રયાનમાં તાંત્રિક સાધના પણ ખૂબ છે, અપરંપાર છે.
દેવદેવીઓ, મંડલો, આદિ અનેકની તાંત્રિક ઉપાસના વજ્રયાનમાં પ્રચલિત છે.
આ સાધના બે પ્રકારની છે. આધ્યાત્મિક વિકાસ માટે અને નાની મોટી સિધ્ધિઓની પ્રાપ્તિ માટે,

તિબેટમાં બૌધ્ધ ધર્મ પહોંચ્યો ત્યાર પહેલાં તિબેટમાં બોન નામનો એક ધર્મ પ્રચલિત હતો.
આ બોન ધર્મ તાંત્રિક સારી-મેલી સાધનાનો જ ધર્મ હતો. તિબેટમાં મહાયાન બૌધ્ધ ધર્મ પહોંચ્યો
અને ફેલાયો પરંતુ સર્વત્ર બને છે તેમ તેના પર બોનધર્મની અસર પણ આવી
અને એક નવા યાનનો જન્મ થયો અને તે છે વજ્રયાન.

જાપાનમાં પણ બૌધ્ધ ધર્મ  પહોંચ્યો, અને ત્યાં પણ જાપાનની સ્થાનિક સંસ્કૃતિની અસર હેઠળ
બૌધ્ધ ધર્મના એક નવા સ્વરૂપનો પ્રારંભ થયો. ઝેન બૌધ્ધ ધર્મ.

આજે તિબેટનો પ્રધાન ધર્મ વજ્રયાન છે,
પરંતુ અવશેષ રૂપે થોડા બોનધર્મના અનુયાયીઓ અને બોન ધર્મ ગુરુઓ (બોનપા) પણ છે.

આમ વજ્રયાન ભગવાન બુધ્ધ પ્રણીત બૌધ્ધ ધર્મનું સર્વોચ્ચ, સર્વશ્રેષ્ઠ સ્વરૂપ છે
તે બૌધ્ધ ધર્મનું સર્વોચ્ચ સોપાન છે.
વજ્રયાનમાં હિનયાન અને મહાયાનના સર્વ મહત્વના તત્વો તો છે જ, પરંતુ તે બંનેથી અધિક પણ ઘણું છે.
Anil Pravinbhai Shukla (www.sivohm.com)