રામાયણ સાર -1 -ડોંગરેજી મહારાજની કથા પર આધારિત



દશરથરાજાને ત્રણ રાણીઓ હતી-કૌશલ્યા,સુમિત્રા અને કૈકેયી. છતાં કોઈ સંતતિ નહોતી.
દશરથ રાજા વસિષ્ઠ પાસે ગયા. વસિષ્ઠે કહ્યું-તમે પુત્રકામેષ્ઠી યજ્ઞ કરો.તમારે ત્યાં ચાર પુત્રો થશે.
રાજાએ યજ્ઞ કર્યો,અગ્નિદેવ ખીર લઈને યજ્ઞકુંડ માંથી બહાર આવ્યા છે,અને કહ્યું-
આ પ્રસાદ તમારી રાણીઓ ને ખવડાવજો   આપને ત્યાં દિવ્ય બાળકો થશે.


વસિષ્ઠે આજ્ઞા કરી-કૌશલ્યા ને અડધો ભાગ આપજો અને બાકી વધે તેના બે ભાગ કરી કૈકેયી-સુમિત્રાને
આપજો. મહારાજ કૈકેયી ને પ્રસાદ આપવા છેલ્લે આવ્યા-એટલે કૈકેયીએ દશરથ નું અપમાન કર્યું-
અને કહે છે-કે મને છેલ્લે પ્રસાદ આપવા કેમ આવ્યા ?


ત્યાં -આકાશમાંથી ફરતી સમડી ત્યાં આવી અને પ્રસાદ ઉઠાવી ગઈ અને અંજનીદેવી તપશ્ચર્યા કરતાં હતાં ત્યાં આવી છે અને પ્રસાદ અંજનીદેવી ને આપ્યો-જે તે આરોગી ગયા.આથી તેમને ત્યાં હનુમાનજી નું પ્રાગટ્ય થયું છે.હનુમાનજી પહેલાં આવે છે.
આ બાજુ કૈકેયી દુઃખી થઇ ગઈ-એટલે કૌશલ્યા અને સુમિત્રા એ તેમના ભાગમાંથી થોડો થોડો ભાગ આપ્યો.
ત્રણે રાણી ઓ પ્રસાદ ગ્રહણ કરે છે.


દશરથ એટલે-દશે ઇન્દ્રિયો ના ઘોડાઓ ને કાબુ માં રાખી જેનો રથ રામજી તરફ (પ્રભુ તરફ) જાય છે-તે...
આવા દશરથ ને ત્યાં ભગવાન પુત્ર રૂપે આવે છે.
દશમુખ રાવણ વિષયો ને હદ ઉપરાંત ભોગવે છે-એટલે  રાવણ ને ત્યાં ભગવાન કાળરૂપે આવે છે.


નવ માસ પરિપૂર્ણ થયા છે,રાત્રે દશરથજી સૂતેલા હતા,તેમને સુંદર સ્વપ્નું દેખાયું
“મારે આંગણે મહાત્મા ઋષિઓ આવ્યા છે, મને ઉઠાડે છે “ સ્વપ્ન માં જ દશરથજીએ સરયુમાં સ્નાન કર્યું.
પ્રભુ નો પંચામૃતથી અભિષેક કર્યો, અને સ્વપ્નમાં જ લક્ષ્મીનારાયણ ની આરતી ઉતારતા હતા.
દશરથ મહારાજ,નારાયણ ને વારંવાર વંદન કરે છે,પ્રભુ આજે તેમને હસતા દેખાય છે.


દશરથ સ્વપ્નમાં થી જાગ્યા છે,વિચારે છે-કે-લાવ,ગુરુદેવ વશિષ્ઠ ને સ્વપ્ન ની વાત કરું.
તે વશિષ્ઠ પાસે આવ્યા. અને સ્વપ્ન ની વાત કરી.
વશિષ્ઠ કહે છે-આ સ્વપ્ન નું ફળ અતિ ઉત્તમ છે,પરમાત્મા નારાયણ તમારે ઘેર આવવાના છે,તેનું સૂચક છે.
મને ખાતરી છે-કે-આ સ્વપ્ન નું ફળ તમને ચોવીસ કલાક માં મળશે.
રાજા નો આનંદ સમાતો નથી. પરમાત્મા મારે ઘેર પધારવાના છે.!!
રાજા સરયુમાં સ્નાન કરી નારાયણ ની સેવા કરે છે.
આ બાજુ કૌશલ્યા ધ્યાન માં છે, આજે પવિત્ર રામનવમી નો દિવસ છે.


ચાર વેદો શિવજી ના શિષ્યો થયા છે,શિવજી અયોધ્યા ની ગલીમાં –શ્રી રામ-શ્રી રામ-બોલતાં ભમે છે.
કોઈ પૂછે તો કહે છે-મારું નામ સદાશિવ જોશી છે. (કહે છે-કે-શંકર ના ઇષ્ટ દેવ બાળક –રામ- છે)
પ્રાતઃ કાળ થી દેવો,ગંધર્વો-પ્રતીક્ષા કરે છે. આતુરતા વગર ભગવાન નો જન્મ થતો નથી.


પરમ પવિત્ર સમય પ્રાપ્ત થયો છે,ચૈત્ર માસ,શુક્લપક્ષ,નવમી તિથી, બપોર ના બાર વાગ્યે રઘુનાથજી પ્રગટ થયા છે. દશરથ ને ત્યાં પરબ્રહ્મ શ્રી હરિ પ્રગટ થયા છે.
જે પરમાત્મા નિર્ગુણ –નિરાકાર છે-તે આજે ભક્તો ને પ્રેમ વશ સગુણ-સાકાર બન્યા છે.


આકાશ માંથી દેવો-ગંધર્વો પુષ્પ વૃષ્ટિ કરે છે.
માતાજી ને આજે પ્રભુ એ બતાવ્યું-કે મારા ભક્તો નું હું ચારે તરફથી રક્ષણ કરું છે,એટલે ચતુર્ભુજ રૂપે પ્રગટ
થયા છે. માતાજી એ સુંદર સ્તુતિ કરી છે-નાથ, મારા માટે તમે બાળક બનો,મને મા,મા કહી બોલાવો.

(ડોંગરેજી ની કથા પર આધારિત )રજુઆત -અનિલ શુક્લ www.sivohm.com