રામાયણ સાર -6 ડોંગરેજી કથા પર આધારિત

રામાયણ સાર - 6  ડોંગરેજી કથા પર આધારિત


સ્ત્રી પતિ સિવાય કોઈ સાધુ-સંત નો પણ ચરણ સ્પર્શ ના કરે,સાધુ-સંત ને દુરથી વંદન કરે –
આ શાસ્ત્ર ની મર્યાદા છે.


રામ સરળ છે-પણ સીતાજી ની સરળતા પણ અલૌકિક છે.
રામજી જેવી સરળતા જગતના કોઈ ઇતિહાસ માં જોવા નહિ મળે. રામજી ને કપટ કરતાં આવડતું જ નથી.
તેમને કોઈ નો દોષ દેખાતો જ નથી.
જયારે લાલો તો ઉભો-તો પણ વાંકો. તેથી તેને બાંકેબિહારી કહે છે.
શ્રીકૃષ્ણ સરળ સાથે સરળ અને વાંકા સાથે વાંકા છે.
સુદામા ને પોતાના સિંહાસન પર બેસાડ્યા છે,પોતે તેમના ચરણ પાસે બેઠા છે, અને એ જ શ્રીકૃષ્ણ –
મહાભારત ના યુદ્ધ વખતે વાંકા પણ થયા છે.દ્રોણાચાર્ય બ્રાહ્મણ છે,છતાં તેને મારવાનું કહ્યું છે.
દ્રોણાચાર્ય સાધારણ નથી,ચાર વેદ અને છ શાસ્ત્રો ભણેલા છે, પણ બહુ ભણેલા તેથી શું થયું ?
તેઓ ભાન ભૂલેલા છે,તેઓ ધર્મ પાળતા નથી, અધર્મી દુર્યોધન ને મદદ કરે છે.
શ્રીકૃષ્ણ દ્રોણાચાર્ય જોડે સરળ નથી.


ત્યારે રામજી “સરળ સ્વભાવ સાહેબ રઘુરાય”-કોઈએ થોડી સેવા કરી હોય તો તે બહુ યાદ રાખે છે.
જીવ નો અપરાધ તે જોતા નથી.


રામજી દુશ્મન સાથે પણ સરળ છે. રાવણ સાથે પણ સરળ છે.
યુદ્ધ વખતે રાવણ નું બખ્તર ફાટી ગયું છે,સારથી મરાઈ ગયો છે,રાવણ ઘાયલ છે-થાકી ગયેલો છે.
રામજી ની જગ્યાએ બીજો કોઈ હોત તો દુશ્મન ની લાચારી નો લાભ લઇ તેને મારી નાખે,પણ
રામજી એ રાવણ ને કહ્યું-કે-
અત્યારે તમે ઘરે જાઓ,ભોજન કરો –આરામ કરો, આવતી કાલે યુદ્ધ કરવા આવજો.
જગતમાં એવો કોઈ થયો નથી કે-જે શત્રુ ને કહે કે-આરામ કરો,ઘેર જાઓ અને ભોજન કરો.


એક ધોબી ને રાજી કરવા સીતાજી નો ત્યાગ કર્યો.
જે સરળ છે તેમને બહુ સહન કરવું પડે છે.રામજી એ ખુબ સહન કર્યું છે.


રઘુનાથજી ની સરળતાનો,દીનવત્સલતા નો જગત માં જોટો  નથી.
કાયદો એવો છે કે-માલિક ઉપર બેસે અને નોકર નીચે બેસે. ત્યારે રામજી ઝાડ નીચે બેસે છે અને
વાનરો ઝાડ પર બેસે છે.છતાં રામજી ને એવું લાગતું નથી કે –વાનરો મારું અપમાન કરે છે.
વાનર ની જાત ચંચળ,કોઈ કોઈ વાર પાંદડાં-ડાળખાં રામજી પર પડે છે-પણ રામજી ગુસ્સે થતા નથી.
રામજી સહન કરે છે.
તે તો ઠીક પણ વનવાસમાંથી પાછા આવ્યા ત્યારે –રામજીએ વશિષ્ઠ ને કહ્યું-કે-
આ વાનરો એ મદદ કરી તેથી હું જીત્યો છું.


શ્રીરામ તો કાળ ના પણ કાળ છે,વાનર તેમને શું મદદ કરી શકે? તેમ છતાં રામજી વાનરો ના વખાણ કરે છે.તેમને મોટાઈ આપે છે.
રામજી જેવો કોઈ ઉદાર થયો નથી.તેમની ઉદારતા નું વર્ણન અનેક વાર આવ્યું છે.
વાલી ને માર્યા પછી-કિષ્કિંધાનું રાજ્ય મલ્યું છે- પણ તે સુગ્રીવ ને આપ્યું છે.
રાવણ ને માર્યા પછી લંકાનું રાજ્ય મળ્યું છે-પણ તે વિભીષણ ને આપ્યું છે.

રામ જેવા રાજા થયા નથી અને થવાના નથી. રામચરિત્ર દિવ્ય છે,રામચરિત્ર સહુને ડોલાવે છે.